કુલ પેજ વ્યૂ

મંગળવાર, 12 એપ્રિલ, 2011

ઉનાળે આહિર, ચોમાસું કર્યું




ઓઝતથી આણી કરી, ખારો ભરિયો ખીર,
ઉનાળે આહિર ચોમાસું કીધું તેચૈત્ર મહિનાનો ધોમ તાપ ચિતરા નામના આહિર અને એના ગામ જમળાના માણસો ઉપર અંગારા ઝીંકી રહ્યો છે, તેમ છતાં એ સહુનાં મોં માથે ઉલ્લાસનો અબ્ધિ ઉછળી રહ્યો છે. અગનવર્ષાથી બચવા પક્ષીઓએ ઝાડનાં ઝૂંડમાં આશરો લીધો છે. રખડતાં ઢોર પણ અત્યારે વગડામાં નજરે પડતાં નથી, નજરે દેખાય છે ફક્ત જમળા ગામનાં માણસો જે કિડિયારુંની હારની જેમ ગામમાંથી નીકળીને અહીં માધવપુર તરફ જતાં રસ્તાભણી આવી રહ્યાં છે. કેટલાંક માણસો તો ચિતરાની સાથે જ અગાઉથી આવી પહોંચ્યા છે.
સહુની દષ્ટિ જામનગર તરફથી આવતા રસ્તા માથે મંડાણી છે. તેવામાં ચિતરો બોલી ઊઠયો, ‘જુઓ, સામે ધૂળની ડમરી ઊઠેલી દેખાય છે એ જામ બાપુનો રસાલો આવતો હોવાનાં એંધાણ છે. ચિતરાએ એના અંગ માથે કેડિયું પહેર્યું છે જ્યારે અડધા શરીર ઉપર હાથવણાટના કાપડમાંથી બનેલો ચોરણો ધારણ કરેલ છે. કાનમાં સોનાનાં કોકરવાં છે. ચિતરાને ખાતરી થતા ફરી બોલ્યો, ‘કુંવારિકાઓ માથે જળભરેલ ઘડા અને અક્ષત કંકુથી સામૈયાં કરવા માટે તૈયાર છે ને?’
‘હા, છોકરિયું હાજર છે અને ગામનો ઢોલીયે આવી પૂગ્યો છે’ એક જુવાનિયાએ જવાબ દીધો ત્યાં આધેડ વયનો એક પુરષ બોલ્યો, ‘આપા, આપણે અગાઉથી બાપુના કાને કોઈ વાત નાખી નથી તેથી સીધેસીધા માધવપુર તો હાલ્યા નહીં જાય ને?’
‘ના રે, એવું નહીં બનવા દઈએ આપણે બધાં આ રસ્તા વચાળે ગઢ બની જઈશું.’ પાંચ દાયકાની ઉંમર વટાવી ગયેલા ચિતરાએ આત્મશ્રદ્ધાનો રણટંકાર કર્યો.
એવામાં તો ઘોડાનાં ડાબલાંના અવાજ સંભળાણા. બસો જેટલાં ઊંટો તેમજ હજાર કરતાં પણ વધુ ઘોડાંનો કાફલો, એના ઉપર બેઠેલા હથિયારધારી અસવારો જોતાં જામ ધણીની ફોજ કોઈ નાનકડી રિયાસત માથે ત્રાટકવા ન ઉમટી હોય તેવું દૃશ્ય ખડું થયું. વચ્ચે જામ રાજવીનો રથ છે. તેમની કોટમાં મોતીઓની માળા લટકે છે માથે મુગટ તેમજ કલગી સોહે છે. અંગ ઉપર જરકસી જામા છે. રસ્તા વચાળે ઉમટેલાં લોકોને જોતાં જ રાજવીના અંગરક્ષકો તે તરફ ધસ્યા ને કહ્યું, ‘જામ ધણીની સવારી આવે છે તમે રસ્તામાંથી હટી જાઓ.’
‘અમો જામ લાખાજી બાપુને સલામ કરવા અને સામૈયું કરવા આવ્યા છીએ. પછી ખસી જઈશું.’ચિતરાએ ટૂંકમાં જણાવ્યું. રાજવીનો રથ આવતાં તો ઢોલ ત્રાંસાના અવાજ સાથે કુમારિકાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું.
‘ક્યાં રેવાં?’
‘બાપુ, આ સામે દેખાઈ તેઈ જમળા. ત્રણેક હજારની વસતી ધરાવતું જૂનાગઢના નવાબ સાહેબના નેજા નીચેનું અમારું ગામ. આપ ચૈત્ર મહિનામાં કૃષ્ણ રુક્મિણીજીના વિવાહ મહોત્સવ ટાણે માધવપુર જઈ રહ્યા છો તેના વાવડ તો અમોને કેદુનાયે મળેલા છે. બાપુ આ રસ્તેથી જઈ રહ્યા હોવાથી આપનાં દર્શન થશે. આપને ભરોસે ગામે નક્કી કરી લીધું છે કે, બાપુને ગામમાં નોતરીએ.’
‘તમારો આવો અઢળક પ્રેમ જોઈને મારા દિલમાં ઉમંગ ઉછળી રહ્યો છે. તમે સહુએ જે હેતથી સામૈયું કર્યું તેમાં બધું આવી ગયું. તમારી લાગણી હું માથે ચડાવું છું.’
ના, બાપુ એવું નો હાલે, અમારી માગણી એવી છે કે આજની વેળા અમારા ગામે ઉતારો કરો,આપનાં પાવન પગલાં અમારા ગામની ધરતી ઉપર થાવા દો. હું આ ગામનો કરંગિયા શાખાનો આયર છું. લોકો ચિતરાના નામથી બોલાવે છે.
‘ચિતરા આપા, તમે સામે નજર ફેરવો અમારી સાથે હજ્જારોનો કાફલો છે.’ તેટલા શબ્દો પૂરા કરીને બોલનારે રાજવી સામી દૃષ્ટિ ફેરવી ને આગળ કહ્યું, ‘બાપુ, આપે તો સાંભળ્યું હશે કે...’
‘શું સાંભળેલાની વાત કરી? જામનગરના રાજવી જામ લાખાજી (ત્રીજા)એ બોલનારને થોભાવીને વચ્ચે જ પ્રશ્ન કર્યો.’
આ ગામ તેમજ બીજાં ગામોમાં પાણીનો એટલો બધો વખો છે કે ન પૂછો વાત! આવા કારણે તો એક ચારણે દુહો કહ્યો છે કે,
ભડ, જમળુ ને ઝંખડી વિઠ્ઠલા દે જે મવાસ,
અહીં પાણી ન પામીયે, ચોમાસું ઠાલે માસ.
(હે ભગવાન! ભડ, જમળા અને  ઝંખડીમાં કદાપિ વસવાટ ન દેતો કારણ અહીં ચોમાસું ખાલી જાય છે. તેથી પ્રાણીઓ પાણી પણ પામતાં નથી.)
આપણા આવડા મોટા રસાલાની ખિદમત કરવાનું નાના રજવાડાંનુંયે ગજું નથી તો આવા નપાણિયા ગામમાં આ લોકો સંધાયની કેણી પેરે વ્યવસ્થા કરશે?
‘બાપુ, ઈ તો સંધાય સમય સમયના રંગો છે! ભલે અટાણે ધોમ ઉનાળો ધખી રહ્યો, પરંતુ અમારા ગામના માણસોનાં દિલમાં તો જાણે ચોમાસું ઉભરાય છે. તેથી આપે અમારા ગામને પાવન તો કરવું જ પડશે. તે સિવાય અમો અહીંથી હટવાના નથી.’ એટલાં વેણ વદીને એ અડાભીડ આયર જામધણી સામે બે હાથ જોડીને ઊભો રહ્યો.
અંબ વૃક્ષ ઉપર આવતી કેરીઓથી તે વૃક્ષ ઝૂકે તેમ રાજવી ઝૂક્યા. ફરમાન છોડયાં, ‘રસાલો જમળા ગામ ભણી હાંકો’.
ગામ આવ્યું ને ચોતરફ એમની નજરે આંટો માર્યો ને જોયું તો ત્યાં પાણીની રેલમછેલ દેખાણી. રાજવી બે ઘડી કોઈ જુદા પરગણામાં આવી ચડયા હોય તેવું જણાયું. ‘ચિતરા, હું આ શું જોઈ રહ્યો છું ? કોઈ સ્વપ્ન તો નથી ને?
‘ના રે બાપુ આપ જે નિરખો છો તે આપની સગી આંખે નિરખો છો’
‘આવું કેવી રીતે બને?’
‘બને, બાપુ બધું જ બને. માણસ એક વખત જો લાગણીથી નિર્ણય કરે તો એના માટે કંઈ અશક્ય નથી, મને પાકું સમજાણું છે. આપ જુઓ છો તે આપના નામ અને પાવન પગલાંને લીધે છે.’
એક મોટા ડેલાના આંગણામાં ઘટાટોપ વૃક્ષની છાયામાં ઢોળિયા ઢળાણા, પાણી આપ્યાં. ઘોડાં તેમજ ઊંટો માટે ઈલાયદી ગોઠવણ થઈ ગઈ. ચિતરા આયરે રાજવી સામે પોતાની દૃષ્ટિ કરતાં જણાવ્યું, ‘બાપુ, આવું કઈ રીતે બન્યું તે સાંભળો. મેં આગળ આપના કાને વાત નાખી કે આપ માધવપુરના ચૈત્ર મેળાના મહોત્સવમાં પધારવાના છો તેવા વાવડ અમોને મળેલા તેથી અમો ગામના આગેવાન ભેગા મળ્યા. મેં વાત મૂકી કે જામધણી જેવા રાજવી આપણા ગામના સીમાડેથી હાલ્યા જાય અને આપણે એક ટંકનીય મહેમાનગતિ ન કરાવીએ તો આપણા ગામને ભોંઠપ લાગે.’
‘મહેમાનગતિ કરાવવામાં આપણા હૈયે હરખ થાય, પરંતુ પાણીના ધાંધિયા તો તમે નજરે જુઓ છો. આવા કાળઝાળ ઉનાળા એનું કાંયનું કરીશું?’ એક જણે પ્રશ્ન કરેલો.
‘આપણા સીમાડેથી વહેતી ઓઝતનાં જળને આ બાજુ વાળીએ તો? મારા દિમાગમાં ભાદરવાની વીજ જેવો ઝબકારો થયો.’
‘તો તો રંગ રહી જાય.’
આપના તરફની લાગણીના કારણે આખું ગામ ત્રિકમ, પાવડા, તગારાં લઈને ઓઝતના કાંઠે પહોંચ્યું. ગામથી બે માઈલ જેટલી છેટે વહેતી ઓઝતનાં જળને ગામ ભણી વાળવા નહેર બનાવી ને એનાં પાણી આજે ગામમાં રેલમછેલ કરી રહ્યાં છે, બોલો આ બધો આપના જ નામનો પ્રતાપ ગણાય કે નહીં? ચિતરો આયર ભારે અહોભાવથી બોલ્યો ને રાજવીને નમન કર્યાં.
થોડી વારમાં તો ચિતરાના માણસે જમવાની હાકલ કરી, સહુને ઊના ઊના રોટલા, ઘી, છાસ,શાકનાં ભોજન પીરસાઈ ગયાં. ઉપર માખણ અપાયું. ઘોડા અને ઊંટોને મૂઠી ફાટે તેવા તે પરગણાના બાજરાનાં જોગણ દીધાં. ચિતરાના દિલના ઉમળકાની પ્રશંસા આખા રસાલામાં ફરી વળી. એક ચારણે જમળા ગામના નવો દીદાર નીરખતાં નવો દુહો સંભળાવ્યો